આપણો ઇતિહાસ, આપણું ગૌરવ
શિક્ષણ ને પરીભાષાના સંદર્ભમાં જોઈએ તો શિક્ષણ ને વ્યક્તિના ચારિત્ર્યનું ઘડતર અને તેના સર્વાંગી વિકાસનો શિલ્પી ગણી શકાય અને આ જ પરિભાષાની સમજણ સાથે આ શાળાના આદ્યસંસ્થાપક અને શિક્ષણ જગતના ભીષ્મપિતામહ એવા મારા પરમપુજ્ય પિતાશ્રી શ્રી એન.ડી.રાવલ સાહેબે બ્રિટીશ શાસન માં તે વખતના વઢવાણ કેમ્પ અને હાલના સુરેન્દ્રનગર મુકામે સને-૧૯૨૧ માં સૌ પ્રથમ ખાનગી હાઇસ્કૂલની શરુઆત ધી ન્યુ ઈંગ્લીશ હાઇસ્કૂલના નામે કરી. શિક્ષણના પારીભાષિક મુલ્ય ને સર્વાધિક સમજી રાત દિવસ કાર્યરત રહી ને માનવ સમાજને અનેક તેજસ્વી વિરલાઓની ભેટ ધરી .આ તેજસ્વી વિરલાઓમા મુખ્યત્વે ભુતપુર્વ ગવર્નર શ્રી જયસુખભાઈ હાથી ,કેન્દ્ર સરકારના માજી વેપાર પ્રધાન શ્રી મનુભાઈ શાહ ,ગુજરાત સરકારના માજી મુખ્યમંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝા ,આ શહેરના અગ્રગણ્ય નાગરિકો જેમાં શ્રી ચંદુલાલ સુખલાલ શાહ ,શ્રી ધીમંતભાઈ એમ શાહ ,શ્રી ચીમનભાઈ શાહ, શ્રી બાપાલાલભાઈ શાહ ,શ્રી ધારશીભાઇ એમ શાહ ,શ્રી રમેશભાઈ ટી શાહ ,શ્રી રમણીકભાઈ રાયચંદભાઈ શાહ તથા અનેક નામી ડોકટરો ,નામી વકીલો , નામી ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે ,એટલે એમ કહી શકાય કે જૂની પેઢીના ૮૦ ટકા લોકોએ આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
લિ. હર્ષદરાય એન. રાવલ
શતાબ્દી સુધીના ૧૦૦ વરસની સફરમાં આ શાળાએ અનેક ચડતી પડતી નિહાળી છે .સને ૧૯૨૫ વઢવાણ કેમ્પમાં સરકારી હાઇસ્કૂલ એન. ટી. એમ ની શરૂઆત આ શાળા એટલેકે ધી ન્યુ ઈગ્લીશ હાઇસ્કૂલ માંથી થઇ હતી . તે વખત ના બ્રિટીશ શાસનના તત્કાલીન પોલીટીકલ એજન્ટે આ શાળામાંથી થોડા વિદ્યાર્થીઓ ને લઈને સરકારી હાઇસ્કૂલ એન .ટી .એમ ની શરૂઆત કરેલી અને તે વખતે તેઓશ્રી એ આ શાળાને 'Mother of N.T.M' નું બિરુદ આપેલું . આ શાળા સને ૧૯૫૨ સુધી ડાયમંડ જ્યુબીલી સ્કુલ ના મકાન માં કાર્યરત હતી .ત્યારબાદ વાદીપરા વિસ્તારમાં આ શાળાનું મકાન થતા ત્યાં કાર્યરત થઈ ત્યારબાદ સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સ્થાપિત શ્રી જે.એન.વી.વિદ્યાલય ની સ્થાપના અને શરુઆત કરવા માટે શ્રી એન.ડી.રાવલ સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પુરા પાડીને સમાજ માટે સિંહફાળો આપેલ અને ત્યારબાદ સને ૨૦૦૦ માં ભયંકર ભૂકંપ આવતા આ શાળાના મકાન ને ખુબ જ નુકશાન થયું હતું સરકારી સહાય માટે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી સહાય મળી ન હતી. જર્જરિત મકાન હોવાથી સરકારશ્રી ની મકાન ખાલી કરવાની નોટીસો પણ વારંવાર મળતી હતી. આખરે શહેર વચ્ચેની સુંદર જગ્યા વહેચીને હાલ આ શાળા જ્યાં વિદ્યમાન છે ત્યાં શ્રી.એન.ડી આર પરિવારનાં સર્વે કુટુંબીજનો ની સહાય થી આ નવી જગ્યાએ શાળાનાં નૂતન બિલ્ડીંગ નું નિર્માણ થયું અને સને ૨૦૧૦ મા આ શાળા નવા રંગ રૂપ સાથે કાર્યરત થઈ.
હાલ આ શાળાના વ્યવસ્થાપક મંડળ તેમજ શાળાનું શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મહેકમ સખત પરિશ્રમ કરીને શ્રી.એન.ડી.આર સાહેબના શિક્ષણ પ્રત્યેના અદ્વીતીય પ્રેમ ને ઉજાગર કરી રહ્યું છે અને આ શાળા હાલ વિકાસ ના અનેક સોપાનો સર કરી રહી છે, અને ભવિષ્યમાં પણ આ શાળા રાષ્ટ્રનિર્માણ મા પોતાનો અમુલ્ય ફાળો યુગોયુગ સુધી આપતી રહે એવી શુભ કામના આપુ છુ.
.
શ્રી એન. ડી. રાવલ સાહેબ